Sunday, 4 September 2016

કમ્મરેથી બેવડ વળવાની પરંપરા છોડી સીના તાનકે ચીન સાથે મોદીની મંત્રણા



જ્યારે મોદીજીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, ત્યારે પડોશી પહેલો સગો એ ઉક્તિને ધ્યાનમાં લઇને પડોશીઓને આવકાર્યા હતા.શરૂઆતમાં મિત્રતાનો હાથ લંબાવીને સારા સબંધો રાખવા માટે મોદી નમ્યા હતા. એ ભારતની પરંપરા પણ કહી શકાય, સંસ્કાર પણ કહી શકાય. સારા સબંધ રાખવા માટેની શરૂઆત કરવા છતાં પ્રતિભાવ હકારાત્મક મળ્યો નથી, ત્યારે હવે ચમત્કાર વિના નમસ્કાર નહીં, એ ઉક્તિ મુજબ મોદીએ આજકાલ ભારત સાથે  સંઘર્ષમાં ઉતરવા થનગનતા પાકિસ્તાન અને ચીન સામે લાલ આંખ કરી છે.
પાકિસ્તાન સતત કાશ્મીરમાં આતંકવાદ ભડકાવતું રહ્યું છે. અત્યાર સુધી ભારત તેને આતંકવાદ બંધ કરવા માટે વિનવતું રહ્યું હતું. કાશ્મીરમાં આતંકવાદ સામે લડવામાં મહામૂલા જવાનો ખોતું રહ્યું છે. પાકિસ્તાનની ટેઢી પૂંછડી એમ સીધી થાય એમ નથી, એ વાત ભારતને સમજાઇ ગઇ છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે યુધ્ધ એ જ કલ્યાણ એ મંત્ર જ સાચો પડે એમ છે, પણ યુધ્ધ એ કાંઇ સમસ્યાના ઉકેલનો સાચો વિકલ્પ નથી, એ સંજોગોમાં મોદીજીએ નહેલે પે ડહેલાની જેમ પાકિસ્તાનને બલુચીસ્તાનની તેની સમસ્યા આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ચર્ચામાં મૂકી દઇને તેને સખણા રહેવા માટે સંકેત આપી દીધા છે. પહેલાં પાકિસ્તાન અમેરિકાના ખીલે કૂદાકૂદ કરતું હતું.હવે એ ખીલાની ભૂમિકા ચીને ભજવવા માંડી છે.
ચીન સાથે પણ સબંધ સારા રહે એ માટે મોદીએ ચીની વડા જિન્પિંગ સાથે સાબરમતિના કાંઠે ઝુલા પણ ઝુલ્યા હતા. પરંતુ ચીન ન તો ભારતની ઉત્તર - પૂર્વ સરહદે ઘૂસણખોરી કરવામાંથી બહાર આવ્યું, ન તે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે બચાવવાથી દૂર રહ્યું. આ બંને મુદ્દે ચીન ભારત ઉપર હાવી થવાનો પ્રયાસ કરતું રહ્યું છે. ચીનને કદાચ, એમ હશે કે ભારતને દબાણ હેઠળ નહીં રાખીએ તો તે ચીન સામે એક મહાસત્તા બની જાય એમ છે. પરંતુ ચીનના એ દબાણ હેઠળ આવવાને બદલે મોદીજીએ ચીનને પણ ચેકમેટ કર્યું છે.
ચીન ખાતે બે દિવસની જી-20ની બેઠકમાં ભાગ લેવા જતાં પહેલાં વિયેતનામની મુલાકાત લઇને મોદીજીએ ચીનને પણ સખણું રહેવા સંકેત આપી દીધા હતા. 
વિયેતનામને 3300 કરોડના  સાથે તેને મજબૂત કરવા માટે તેને પાવર બોટ જેવા શસ્ત્રોથી સજ્જ કરવાને પણ મંજુરી આપી દીધી છે. ચીન સ્ટીંગ ઓફ પર્લ એટલે કે નેપાળ, શ્રીલંકા, માલદીવ અને પાકિસ્તાનને પડખે લઇને ભારતને ઘેરવાનો મનસુબો ધરાવતું હતું, તેની સામે મોદીજીએ અમેરિકા, વિયેતનામ અને જાપાન સાથે ધરી રચીને ચીન સામે જ જોખમ ઊભું કરી દીધું છે.
મોદીજીના આ પગલાં સાથે જ ચીને જે બખાડા કાઢ્યા તેમાં તેણે વિયેતનામ અને ભારત, બંનેને યુધ્ધમાં થયેલા પરાજયની કડવી યાદ અપાવી છે. પરંતુ ચીન એ ભુલી જાય છે કે વિયેતનામે અમેરિકાને પણ યુધ્ધમાં પરાજિત કર્યું હતું, તો ભારતે તો ચીનને જ નાથુ લા અને ચૈા લાના મીનીયુધ્ધમાં ઊભી પૂંછડીએ ભગાડ્યું હતું. ઘણા વિશ્લેષકો માને છે કે નાથુ લા અને ચૈા લાના એ યુધ્ધને કારણે જ ચીને ફરીથી ભારત સામે લડવાની ગુસ્તાખી કરી નથી. 1962 અને 1965ના બે ફૂલફ્લેજ યુધ્ધ પછી 1967માં ભારતના નરબંકાઓ નાથુ લા અને ચૈા લા સેકટરમાં ચીનને નમલાને બદલે જે રીતે કેસરિયા કરીને ચીનાઓને ભગાડ્યા હતા, એ પછી ચીન ભારતીય જવાનોને ઓછા આંકી શકે એમ નથી.
મોદીજીએ અમેરિકા સાથે લશ્કરના ઇન્ફ્રાસ્ટ્રકચર વાપરી શકાય એ માટે લોજિસ્ટીક કરાર કર્યા છે, એ પછી વિયેતનામને પણ સજ્જ કરવા માટે કરાર કર્યા છે, તો જાપાન તો સજ્જ જ છે. હા, જાપાન તેના કરારને કારણે લશ્કર નિભાવતું નથી, પરંતુ હવે ચીનની દાદાગીરી દૂર કરવા માટે જાપાનને પણ લશ્કર રાખવાની છુટ મળે એ જરૂરી છે.સાથે સાથે બલુચીસ્તાનના મુદ્દાને કારણે ચીનના ઇકોનોમિક કોરિડોરને ફટકો પડે એમ છે. ખાસ કરીને ગેસ પાઇપ લાઇન પ્રોજેકટ ખોરવાઇ જાય અને ગ્વાદર બંદરના વિકાસમાં અવરોધ પેદા થાય તો વ્યુહાત્મક ફાયદો પણ ખોવો પડે. સરવાળે ચીનને ઘેરીને તેની લેવલે પહોંચીને મોદીજીએ મંત્રણા કરી છે.
અત્યાર સુધી ભારત કમ્મરેથી બેવડ વળીને વાત કરતું હતું. હવે સીના તાન કે વાત કરતું થયું છે, એ જ પરિવર્તન ભારતને એક મહાસત્તાને છાજે એવું છે.  કિપ ઇટ મોદીજી...

Saturday, 3 September 2016

મોદી જી 20 બેઠક સાથે સાથે ચીન સાથે ઘણા મુદ્દે મંત્રણા કરશે


વિયેતનામની મુલાકાત બાદ હવે મોદી ચીન પહોંચ્યા છે. ચીનમાં રવિવારથી બે  દિવસ ચાલનારી જી 20 બેઠકમાં ભાગ લેશે. જો કે એ સાથે સાથે તેઓ એનએસજી જેવા ઘણા મુદ્દે ચીન સાથે પણ મંત્રણા કરશે એ તો ખરૂં જ.
ચીન જતાં પહેલાં મોદીએ વિયેતનામની મુલાકાત લીધી, અને ચીનને તેની જ રીતે જવાબ દીધો છે. આ પહેલાં અમેરિકાના પ્રમુખો કે મોટા નેતાઓ ભારતની મુલાકાતે આવતા તે પહેલાં કે પછી પાકિસ્તાનની અચુક મુલાકાત લેતા હતા. મતલબ કે ભારતને આડકતરી રીતે સમજાવી જતા કે છેલ્લો બોલ તો પાકિસ્તાનનો જ રહેશે.બનતું પણ એવું જ કે ભારત સાથે થોડી મિત્રતા રાખવા સાથે અમેરિકા પાકિસ્તાનને સીમ સીમ ખૂલજાની જેમ ઘણું આપતા જતા. હવે ભારતે વિશ્વના  વિકસીત દેશોની જેમ જ ચીન સાથે નહેલે પે દેહલાની જેમ  વિયેતનામ પહોંચ્યા હતા અને એ પછી ચીનની મુલાકાતે ઉપડયા છે.
ભારતે હવે એટેકિંગ મોડ અપનાવ્યો છે. હા, આપણે વર્ષોથી અહિંસાને એક ધર્મ તરીકે અપનાવી લઇને કંઇક ગુમાવ્યું છે. વિશ્વભરમાં બળિયાના બે ભાગ હોય, એ વાત ભારત સમજતું હોવા છતાં બળિયા બનવાનું ક્યારેય વિચાર્યું ન હતું. હવે મોદીજીએ એ કામ હાથ ધર્યું છે. હવે ખોંખારો ખાધો છે અને તેનો પરચો પહેલો પાકિસ્તાનને અને હવે ચીનને મળશે.
મોદીજીએ જ્યારે વડાપ્રધાનપદના શપથ લીધા હતા, ત્યારે એ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ બોલાવ્યા હતા. માંડ તેઓ આવ્યા હતા, એ પછી ગયા વર્ષે નવાઝ શરીફના જન્મદિને અચાનક મોદીજી લાહોર પહોંચી ગયા હતા. પરંતુ પાકિસ્તાને અત્યાર સુધી તેનો કોઇ જ હકારાત્મક જવાબ વાળ્યો ન હતો. આખરે, મોદીજીએ બલુચીસ્તાનનો મુદ્દો છેડીને પાકિસ્તાનને અહેસાસ કરાવી દીધો છે કે ભારત ધારે તો ફરીથી પાકિસ્તાનના ટુકડા કરી શકે એમ છે. ભારતે શાંતિથી વિકાસ કરવો છે, તો તેને તેના પથ ઉપર આગળ વધવા દો, જો એમ નહીં કરવા દેશો, તો ભારત તેમાંથી માર્ગ કાઢવાનું જાણે છે. કાશ્મીરમાં આગ ભડકાવીને ભારતને પરેશાન કરતા રહેશો, તો ભારત પણ તમારે ત્યાં ભડકો કરી શકે છે, માટે સખણા રહો. બસ, આ જ સંકેત મળતા પાકિસ્તાન ટાઢું પડયું છે.
એ પછી ચીનના દુશ્મન વિયેતનામની મુલાકાત લઇને મોદીજી ચીન પહોંચ્યા છે. ચીનને એ ગમ્યું નહીં જ હોય, પણ જે રીતે ચીન ભારતને પરેશાન કરતું રહે છે, તે પછી ભારત પાસે કોઇ સારી આશા કેમ રાખી શકાય ચીનની આ મુલાકાતમાં મોદીજી એનએસજીનો મુદ્દો પણ ઉઠાવશે, જો કે મિસાઇલ અપ્રસાર સંધિમાં ભારતનો સમાવેશ કરીને અમેરિકાએ ભારતને મિસાઇલની નિકાસ કરી શકશે, જે ભારતને મેક ઇન ઇન્ડિયાને એક નવો ઓપ આપશે.