વિયેતનામની મુલાકાત બાદ હવે મોદી ચીન પહોંચ્યા છે. ચીનમાં રવિવારથી બે દિવસ ચાલનારી જી 20 બેઠકમાં ભાગ લેશે. જો કે એ સાથે સાથે તેઓ એનએસજી જેવા ઘણા મુદ્દે ચીન સાથે પણ મંત્રણા કરશે એ તો ખરૂં જ.
ચીન જતાં પહેલાં મોદીએ વિયેતનામની મુલાકાત લીધી, અને ચીનને તેની જ રીતે જવાબ દીધો છે. આ પહેલાં અમેરિકાના પ્રમુખો કે મોટા નેતાઓ ભારતની મુલાકાતે આવતા તે પહેલાં કે પછી પાકિસ્તાનની અચુક મુલાકાત લેતા હતા. મતલબ કે ભારતને આડકતરી રીતે સમજાવી જતા કે છેલ્લો બોલ તો પાકિસ્તાનનો જ રહેશે.બનતું પણ એવું જ કે ભારત સાથે થોડી મિત્રતા રાખવા સાથે અમેરિકા પાકિસ્તાનને સીમ સીમ ખૂલજાની જેમ ઘણું આપતા જતા. હવે ભારતે વિશ્વના વિકસીત દેશોની જેમ જ ચીન સાથે નહેલે પે દેહલાની જેમ વિયેતનામ પહોંચ્યા હતા અને એ પછી ચીનની મુલાકાતે ઉપડયા છે.
ભારતે હવે એટેકિંગ મોડ અપનાવ્યો છે. હા, આપણે વર્ષોથી અહિંસાને એક ધર્મ તરીકે અપનાવી લઇને કંઇક ગુમાવ્યું છે. વિશ્વભરમાં બળિયાના બે ભાગ હોય, એ વાત ભારત સમજતું હોવા છતાં બળિયા બનવાનું ક્યારેય વિચાર્યું ન હતું. હવે મોદીજીએ એ કામ હાથ ધર્યું છે. હવે ખોંખારો ખાધો છે અને તેનો પરચો પહેલો પાકિસ્તાનને અને હવે ચીનને મળશે.
મોદીજીએ જ્યારે વડાપ્રધાનપદના શપથ લીધા હતા, ત્યારે એ સમારોહમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ બોલાવ્યા હતા. માંડ તેઓ આવ્યા હતા, એ પછી ગયા વર્ષે નવાઝ શરીફના જન્મદિને અચાનક મોદીજી લાહોર પહોંચી ગયા હતા. પરંતુ પાકિસ્તાને અત્યાર સુધી તેનો કોઇ જ હકારાત્મક જવાબ વાળ્યો ન હતો. આખરે, મોદીજીએ બલુચીસ્તાનનો મુદ્દો છેડીને પાકિસ્તાનને અહેસાસ કરાવી દીધો છે કે ભારત ધારે તો ફરીથી પાકિસ્તાનના ટુકડા કરી શકે એમ છે. ભારતે શાંતિથી વિકાસ કરવો છે, તો તેને તેના પથ ઉપર આગળ વધવા દો, જો એમ નહીં કરવા દેશો, તો ભારત તેમાંથી માર્ગ કાઢવાનું જાણે છે. કાશ્મીરમાં આગ ભડકાવીને ભારતને પરેશાન કરતા રહેશો, તો ભારત પણ તમારે ત્યાં ભડકો કરી શકે છે, માટે સખણા રહો. બસ, આ જ સંકેત મળતા પાકિસ્તાન ટાઢું પડયું છે.
એ પછી ચીનના દુશ્મન વિયેતનામની મુલાકાત લઇને મોદીજી ચીન પહોંચ્યા છે. ચીનને એ ગમ્યું નહીં જ હોય, પણ જે રીતે ચીન ભારતને પરેશાન કરતું રહે છે, તે પછી ભારત પાસે કોઇ સારી આશા કેમ રાખી શકાય ચીનની આ મુલાકાતમાં મોદીજી એનએસજીનો મુદ્દો પણ ઉઠાવશે, જો કે મિસાઇલ અપ્રસાર સંધિમાં ભારતનો સમાવેશ કરીને અમેરિકાએ ભારતને મિસાઇલની નિકાસ કરી શકશે, જે ભારતને મેક ઇન ઇન્ડિયાને એક નવો ઓપ આપશે.

No comments:
Post a Comment